Friday, 3 November 2017

શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય)

શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય)

નોંધ:

અહીં પૂજ્ય ડોંગરે મહારાજના “શ્રીમદ્ ભાગવત રહસ્ય”ને તેના મૂળ સ્વરૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો છે.

[આ પુસ્તક ઇ.સ.1962 (વિક્રમસંવત 2017)માં કોડીનાર(સૌરાષ્ટ્ર) ના શ્રી દુર્લભદાસ છગનલાલ ભગતે સંપાદિત કર્યુ અને જનહિતાર્થે શ્રી વિઠ્ઠલદાસ (બાબુભાઇ) ગીરધરદાસે મુંબઇથી પ્રસિદ્ધ કર્યું, એક લાખ નામ જપ કરનારને આ પુસ્તક વિના મૂલ્યે વિતરિત કરવામાં આવતું હતું.]

શ્રી ગણેશાય નમ:
શ્રીસરસ્વત્યૈય નમ:
શ્રીગુરુભ્યો નમ:
ૐ નમો ભગવતે વાસુદેવાય.
શ્રીકૃષ્ણ: શરણં મમ.

ભાગવતનો ઉદ્દેશ અને તેનું માહાત્મ્ય

સચ્ચિદાન્દરુપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે
તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ:

જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણે પ્રકારોના તાપોનો નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે વંદન કરીએ છીએ.
પરમાત્માનાં ત્રણ સ્વરૂપો શાસ્ત્રમાં કહ્યાં છે: સત્, ચિત્ અને આનંદ. સત્ પ્રગટરૂપે સર્વત્ર છે. ચિત્-જ્ઞાન અને આનંદ અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત્, ચિત્ છે, આનંદ નથી. જીવમાં સત્, ચિત્ પ્રગટે છે, પરંતુ આનંદ અપ્રગટ રૂપે છે, અવ્યક્ત રૂપે છે, આનંદ પોતામાં જ છે છતાં મનુષ્ય આનંદ શોધે છે બહાર. મનુષ્ય સ્ત્રીના શરીરમાં, ધનમાં વગેરેમાં આનંદ શોધે છે. આનંદ એ તમારું સ્વરૂપ છે. આનંદ અંદર જ છે. એ આનંદને કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવતશાસ્ત્ર બતાવશે.

દૂધમાં માખણ રહેલું છે છતાં દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી છાશ કરીમંથન કરવાથી માખણ દેખાય છે. તેવી રીતે માનવીએ મનોમંથન કરી એ આનંદને પ્રગટ કરવાનો છે. દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી તેમ ઇશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી. જીવ ઇશ્વરનો છે. તે ઇશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી. કોઇ પણ જીવ હોય તેને ઇશ્વરને મળવું છે. નાસ્તિક પણ છેવટે શાંતિ જ શોધે છે.

આનંદના ઘણા પ્રકાર તૈતરીય ઉપનિષદમાં બતાવ્યા છે, પરંતુ તેમાંના બે મુખ્ય છે:

(1) સાધનજન્ય આનંદ
(2) સ્વયંસિદ્ધ આનંદ

સાધનજન્ય આનંદ-વિષયજન્ય આનંદ-સાધન કે વિષયનો નાશ થતાં તે આનંદનો નાશ થશે. યોગીઓ પાસે કંઇ હોતું નથી તેમ છતાં તેઓની પાસે આનંદ છે. તે બતાવે છે કે આનંદ અંદર છે.

સત્ ચિત્ આનંદ ઇશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સત્ રૂપ છે, પરિપૂર્ણ ચિત્ રૂપ છે, પરિપૂર્ણ આનંદ રૂપ છે.

પરમાત્મા શ્રીકૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. ઇશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે. ઇશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે. જીવમાં ચિદ્ અંશ છે પણ પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે પરંતુ તે જ્ઞાન ટકતું નથી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રીકૃષ્ણને સોળ હજાર રાણીઓ વાત કરતાં પણ એજ જ્ઞાન અને દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ જ્ઞાન.સર્વનો વિનાશ થાય તોપણ કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી. કારણ પોતે જ આનંદરૂપ છે. સત્ નિત્ય છે. ચિત્ એ જ્ઞાનછે. જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે, તે આનંદરૂપ થાય. જીવને આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે. આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી, આનંદ મળતો નથી.

સંસારના પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઇ શકતા નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે. આ નારાયણને જે ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે તેનું મન નારાયણ સાથે એક બને છે. ત જીવાત્મા નારાયણરૂપ બની પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે, ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ જ્યારે ઇશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે, ત્યારે તે પૂર્ણ થાય છે.
વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે:

(1) પરોક્ષ જ્ઞાન
(2) અપરોક્ષ જ્ઞાન.

ઇશ્વર જગતમાં કોઇ ઠેકાણે છે તેમ માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે. ઇશ્વર વિના કાંઇ નથી ઇશ્વર જ બધું છે, હું પણ ઇશ્વરથી અલગ નથી એ ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર. જોનારો ઇશ્વરને જોતો ઇશ્વરમય બને ત્યારે ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. ઇશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એકરૂપ બને છે તે જ ઇશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને વેદાંતમાં તેને અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે.

ઇશ્વર જગતમાં કોઇ ઠેકાણે છે તે જ્ઞાન પણ અપૂર્ણ છે. ઇશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઇશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ છે એટલે તેને શાંતિ નથી. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે. એટલે નર તે નારાયણમાં સમી જવા માંગે છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન તે ભાગવતશાસ્ત્ર.

જીવ નારાયણનો અંશ છે. તેમાં તેને મળી જવું છે. તે માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે: કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ. મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઇશ્વર પાસે જઇ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતાં વેંત જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે પિતા નહિ અને હું પુત્ર નહિ.

શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે: કામ છોડો,ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય કાંઇ છોડી શકતો નથી. જે પાનસોપારી છોડી શકતો નથી તે કામ, ક્રોધ, લોભ કેવી રીતે છોડશે? તે ઘર કેવી રીતે છોડી શકશે? મનુષ્યને કાંઇ છોડવું નથી. એ કાંઇ છોડી શકતો નથી. અને વેદાંત તો કહે છે કે બધું છોડીને સર્વસ્વનો ત્યાગ કરી ઇશ્વર પાછળ પડો તો ઇશ્વરને ઓળખી શકો, સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી.

જે કામસુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકતો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે.

જ્ઞાનમાર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે.

યોગમાર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે.

ભક્તિમાર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે.

કળિયુગનો મનુષ્ય યોગ કરી શકશે નહિ. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે.

અમે ઘર ધંધો છોડી શકતા નથી કહેનારને ભાગવતશાસ્ત્ર કહે છે નિરાશ થશો નહીં. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ આનંદ મળે છે એવું નથી. જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે મનમાં પ્રવૃત્તિના જ વિચાર આવે છે.

ભાગવતશાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી. સ્વધર્મનો ત્યાગ કરી તેણીઓ વનમાં ગઇ નથી. તેમ છતાં તેણીઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી છે. ભાગવતશાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છેતે આનંદ તમે ઘરમાં રહી મેળવી શકો છો. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો. પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઇએ.

ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે. ભાગવત વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે, તમને ઘરમાં તે જ આનંદ અપાવશે, તમને ઘરમાં તે જ આનંદ અપાવશે જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે.

સંસારના વિષયસુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલાકથાનો ઉદ્દેશ છે. ભાગવત એટલે ભગવાનને મેળવવાનું સાધન. સંતનો આશ્રય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનારો ભગવાન બને છે.

ભક્તિ મંદિરમાં નહિ પણ જ્યાં બેસો ત્યાં થઇ શકે. તેને માટે એક દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ ચોવીસ કલાક કરવાની. ભક્તિનો કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. ચોવીસ કલાક બ્રહ્મસંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો, સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય.

જ્યારે વસુદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મસંબંધ થયો એટલે હાથપગની બેડીઓ તૂટી. પરંતુ યોગમાયાને લઇને ઓઅરત આવ્યા એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મસંબંધ થયો પરંતુ વસુદેવજી બ્રહ્મસંબંધને ટકાવી શક્યા નહિ. બ્રહ્મસંબંધને ટકાવી રાખો. ઇશ્વરનું સ્મરણ છોડશો નહિ.

વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે જે ક્રિયા કરે તે ઇશ્વરને માટે કરે તો તે પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે.

ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી. તેને તનથી સેવા કરવાની જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુસંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિમાર્ગના આચાર્યો ગોપીઓ છે. તેનો આદર્શ માનસ સમક્ષ રાખવો. જ્ઞાનમાર્ગથી, યોગમાર્ગથી જે ઇશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સ્હેજે આ ભક્તિથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની, યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. એમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે, ભગવાન કેવા છે?

તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમ:

આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક –ત્રણે પ્રકારના તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘ્ણા કહે છે વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે. રાધાકૃષ્ણને વંદન કરશો તો તમારાસર્વ પાપ, તાપ નષ્ટ થશે, પણ વંદન શરીરથી નહિ પણ મનથી કરો, એટલે રાધાકૃષણને, હ્રદયમાં પધરાવો અને પ્રેમથી નમન કરો, વંદન પ્રભુને બંધનમાં નાખે છે.

દુ:ખમાં સાથ આપે તે ઇશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઇશ્વર સર્વદા દુ:ખમાં જ. પાંડવો દુ:ખમાં હતા ત્યાં સુધી શ્રીકૃષ્ણે તેમને મદદ કરી છે. પાંડવો ગાડી ઉપર બેઠા પાંડવો ગાદી ઉપર બેઠા ત્યારબાદ શ્રીકૃષ્ણ ત્યાંથી ગયા છે. ઇશ્વર જેને જેને મળ્યા છે તે દુ:ખમાં જ. સુખનો સાથી જીવ અને દુ:ખનો સાથી ઇશ્વરછે એનું સતત મનન કરો.
મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે(અને દુ:ખ સહન કરે છે) તેથી પણ ઓછો પ્રયત્ન જો ઇશ્વર માટે કરે, તો જરૂર તેને ઇશ્વર મળે. પૈસા પાછળ બહુ પડ્યા હવે થોડા ભગવાન પાછળ પડો, કન્હૈયો વગર આમંત્રણે ગોપીઓને ઘેર જતો હતો. પણ મારે ઘેર તેઓ કેમ આવતા નથી એવું કદી વિચાર્યું? તમે પણ નિશ્ચય કરો, હું મારા હાથે એવાં સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં આવશે.

ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવવું એટલે શું? હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવા એટલે કે મારા હાથે હું સત્કર્મો કરીશ. મસ્તક નમાવવું એટલે મારી બુદ્ધિશક્તિ હે નાથ ! મેં તમને અર્પણ કરી છે. વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું ભગવાનને અર્પણ કરવું તે. મારા ભગવાનને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવુ6 હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો. મારા ભગવાન દયાના સાગર છે. વંદન કેવળ વાણીથી, શરીરથી નહિ પણ હ્રદયથી વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મસંબંધ થાય છે.

ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરીને નીકળજો. ઇશ્વર પ્રેમ માંગે છે અને આપે છે. ઇશ્વર માને છે, મારો છે અને મારા પાસે ભીખ માંગે છે. વંદન કરવાથી

ઇશ્વર સાથે સંબંધ થાય છે. આ જીવનો સ્વભાવ એવો છે કે તે વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય છે ત્યારે સ્ત્રી ઘરમાં ન હોય તો પોતાના બાળકને પૂછે છે, બબલા, તારી મા ક્યાં ગઇ છે? પણ એની શી જરૂર છે? બહાર ગઇ હોય તો રામ રામ કરને. બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઇશ્વરને વંદન કરો. રસ્તે ચાલતાં પણ વંદન કરો. ઇશ્વર સાથે એવો સંબંધ રાખો કે ઠાકોરજી નિત્ય મારી સાથે છે. જીવની છાતી ઉપર વિષયો ચઢી બેસે છે તેથી ઇશ્વર જ્યારે સાથે હોય ત્યારે આ વિષયો ચઢી બેસતા નથી. પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો.

વંદન ભાવપૂર્વક કરો. વિચાર કરો કે મને પ્રભુએ આપ્યું છે તેના માટે હું લાયક છું? નાથ, હું નાલાયક છું, પાપી છું છતાં ઠાકોરજીએ મને સંપત્તિ આબરૂ જગતમાં આપ્યાં છે. જીવ લાયક નથી તોપણ જીવને પ્રભુએ ઘણું આપ્યું છે. નાથ તમારા અનંત ઉપકાર છે. નાથ તેનો બદલો હું આપી શકું તેમ નથી.માત્ર તમને વંદન કરું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી કારણકે તેમાં અભિમાનનથી. કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાળીથી તોળાયા છે. ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે. અને સમાપ્તિ પણ વંદનથી કરી છે.

નમામિ હરિં પરમ્

પ્રભુએ કેટલા ઉપકારો મનુષ્યો ઉપર કર્યા છે ! જીભ, આંખ, કાન, મન વગેરે આપ્યાં. બુદ્ધિ અને વિચારશક્તિ આપી. ઇશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે ભગવાન હું તમારો ઋણી છું. વંદન કરી તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા બાદ પછી કાંઇ અઘટિત કાર્ય ન કરવું અને ન વિચારવું .
વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે.

વેદનકા અંત નહિ ઔર પુરાણોંકા પાર નહિ.

મનુષ્યજીવન થોડું છે અને શાસ્ત્રનો પાર નથી, પરંતુ તે એકને એટલે ઇશ્વરને જાણો એટલે સઘળું જાણી જશો.

કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે. સૂતજી કહે છે—સાત દિવસમાં પરીક્ષિતે સ ગતિ પ્રાપ્ત કરી એ મેં નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો પણ આપણા સર્વનો ઉદ્ધાર ઉદ્ધાર કેમ થતો નથી? પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઇએ અને વક્તાએ શુકદેવજી જેવા થવું જોઇએ તો ઉદ્ધાર થાય.

આપણે સર્વ પરીક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં છે? ક્યાં છે? એમ કહેતાં ઇશ્વરની શોધમાં નીકળેલો જીવ એ પરીક્ષિત.

પરીક્ષિત એટલે ભગવાનનાં દર્શન કરવા માટે આતુર થયેલો છે તેવો જીવ.

પરીક્ષિતની આતુરતાનું એક કારણ હતું. તેને ખબર પડી હતી કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, તક્ષકનાગ કરડવાનો છે.

જીવ માત્રને તક્ષકનાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે તેમ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે. કાળ તક્ષક કોઇને છોડતો નથી. તે સાતમે દિવસે જ કરડે છે. વાર સાત છે, અને સાત વારમાંથી એક વારે તો અવશ્ય તે કાળ કરડવાનો જ. આ સાતમાંથી કોઇ એક વાર આપણા માટે નક્કી જ છે ને ! તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહીં.

કોઇપણ જીવને કાળની બીક લાગે છે. મૃત્યુની બીક મનુષ્યને જ છે તેવું નથી. બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકીને સ્વર્ગમાં ગયા છે. ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે.

લોકો મૃત્યુને અમંગળ માને છે પરંતુ તે અમંગળ નથી . મૃત્યુ એ પરમાત્માનો સેવક છે એટલે તે પણ મંગળ છે. ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો છે એટલે મૃત્યુને આજ્ઞા કરે છે કે જીવને પકડી લાવ. જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ મંગળમય થાય છે. જીવનમાં મનુષ્ય મરણની સાચી બીક રાખતો નથી એટલે તેનું જીવન બગડે છે મરણ બગડે છે.

અંત:કાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળની નહિ પણ પોતે કરેલાં પાપોની યાદથી તેને ગભરામણ થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે જ્યારે પાપની સજા થવાનો વખત આવે છે. વ્યવહારમાં લોકો એકબીજાની બીક રાખે છે, મુનીમ શેઠની, કારકુન અમલદારની, વગેરે.ત્યારે મનુષ્ય કોઇ દિવસ ઇશ્વરનો ડર રાખતો નથી. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો.

પ્રતિક્ષણે ઇશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. ભાગવત મરણ સુધારે છે.

રોજ સ્મશાને જવાની જરૂર નથી. પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે. શંકર સ્મશાનમાં વિરાજે છે. શંકર જ્ઞાનના દેવ હોવાથી સ્મશાનમાં રહે છે. સ્મશાન એ જ્ઞાનભૂમિ છે. સમભાવ જાગે તેનું નામ સ્મશાન. સમભાવ જાગે છે તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાનભૂમિ છેસમભાવ એટલે વિષમનો ભાવનો અભાવ. સમભાવ એજ ઇશ્વરભાવ. મનુષ્ય સર્વમાં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે.

સર્વમાં ઇશ્વરભાવ જાગે તો જીવ દૈન્ય બને, અને પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ દૈન્ય છે. મનુષ્ય સઘળાની તૈયારી કરે છે, જમવાની, લગ્નની વગેરે. પણ મરણની તૈયારી કોઇ કરતું નથી. મરણની તૈયારી કરો. મૃત્યુ માટે સાવધાન રહેજો.

મનુષ્યને અમર બનવું છે. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરે તે અમર બને છે. પરીક્ષિત, શુકદેવજી અમર છે. ભાગવતની કથા તમને અમર બનાવે છે, ભક્તિરસનું દાન કરે છે. મીરાંબાઇ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સએહે જગદીશમાં સમી ગયા અને અમર બન્યા છે. ભાગવતની કથા સાંભળો. અનાયાસે સમાધિ લાગશે. યોગ તપ વિના ભગવાનને મેળવવાનું સાધન છે ભાગવત શાસ્ત્ર.

ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધા સાથે બોલવા તૈયાર છે, જ્યારે ભગવાન કોઇક અધિકારી સાથે બોલે છે. સાધક ને સાધનમાર્ગમાં કેવા સંશયો આવે છે તે વિચારી વ્યાસજીએ કથા કરેલી છે. વ્યાસજીએ માન્યું છે કે જે મારા ભાગવતમાં નથી તે જગતના કોઇ ગ્રંથમાં નથી. ભાગવતમાં છે તે બીજા ગ્રંથોમાં છે. ભાગવતશાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું સ્વરૂપ છે. તે અતિશય દિવ્ય છે.

(ક્રમશઃ)

----------------------------------------------------------------------------------------


શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય ભાગ ૨)

વ્યાસાશ્રમમાં ગણપતિ મહારાજ પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું, મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. પરંત લખે કોણ? ગણપતિ કહે બહુ સારું, હું લખવા તૈયાર છું. પરંતુ હું એક ક્ષણ પણ નવરો નહિ બેસું. ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ ઉપર બેસે તેની સિદ્ધિ,બુદ્ધિ દાસી થાય છે. સતત ઉદ્યોગ કરો તો રિદ્ધિસિદ્ધિ તમારી દાસી થશે. એક ક્ષન ઇશ્વરના ચિંતન વગર બેસશો નહિ.

પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે કે હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી.

ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિએ કહ્યું કે હું એક ક્ષણ પણ નવરો નહિ બેસું. ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે વિચારપૂર્વક લખજો.સો શ્લોક થાય એટલે વ્યાસજી એક અઘરો શ્લોક મૂકે. તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે ત્યાં વ્યાસજી પોતાના બીજા કામો પતાવી લે.

દેવોને અપરોક્ષતા બહુ પ્રિય છે. લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી. સંસારના વિષયો મનમાં રાખે છે તે જ ચિત્રકેતુ છે. સંસારના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયા છેતે ચિત્રકેતુ છે.તે મન જ્યારે વિષયોમાં તન્મય બને છે ત્યારે તે એક કરોડ રાણી સાથે રમણ કરે છે. તેવો અર્થ છે.

ભાગવતમાં અનેકવાર આવા પ્રસંગો આવે છે તેનો વક્તાશ્રોતા વિચાર કરે તેનો લક્ષ્યાર્થ શું છે તે વિચારે. તેથી વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે. લખ્યું છે હિરણ્યાક્ષના મુકુટનો અગ્રભાગ સ્વર્ગને સ્પર્શ કરતો હતો અને એના શરીરથી દિશાઓ આચ્છાદિત થઇ જતી હતી. દહાડે દહાડે લોભ વધે છે તે તત્ત્વ બતાવવાનો આનો ઉદ્દેશ છે.
સત્કર્મમાં વિઘ્ન આવે છે તેથી સાત દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે. સૂત અને શૌનકાદિકની કથા એક હજાર દિવસ ચાલેલી. વિઘ્નન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમ:, ગણપતિ મહારાજને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે. સદ્ ગુરુને વંદન કરે છે.તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રીકૃષ્ણને વંદન કરે છે.

મેં ભાગવત શાસ્ત્રની રચના કરીછે એટલે પોતે આ ગ્રંથનો પ્રચાર કરી શકવાના નથી. ભાગવત મેં માનવ સમાજના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. બહુ બોલ્યો, બહુ લખ્યું હવે ઇશ્વર સાથે સંબંધ જોડીશ.

પ્રભુથી વિખૂટા પડેલા જીવો મારા શ્રી કૃષ્ણની સન્મુખ આવે તે માટે મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમશાસ્ત્ર છે. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. આવો કોણ મળે? સંસારના કોઇ વિષયો પ્રત્યે રાગ ન હોય તેવો જન્મથી વૈરાગી કોણ મળે? સંસારસુખ ભોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે? આવા વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષણા જાગી. ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે. વ્યાસજીએ શંકરની આરાધના કરી. શંકર પ્રસન્ન થયા. વ્યાસજીએ માંગ્યું:- સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે જગતને આપવા આપ મારે ઘેર પુત્રરૂપે પધારો. શુકદેવજી ભગવાન શિવનો અવતાર હતા એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે.

જ્ઞાની પુરુષો માયાનો સંગ રાખતા નથી. જ્ઞાની પુરુષો માયાથી અસંગ રહેવા પ્રયત્ન કરે છે ત્યારે વૈષ્ણવો માયામાં પણ ઇશ્વરનો અનુભવ કરે છે.

શુકદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. શુકદેવજી જન્મ થતાં વન તરફ જવા લાગ્યા. વ્યાસ નારાયણ પુત્રની પાછળ દોડે છે. બૂમ પાડે છે, દીકરા, દીકરા,પાછો વળ. પરંતુ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં શુકદેવજી સઘળાનું ભાન ભૂલ્યા છે. ત્યાં હવે કોણ પિતા? કોણ માતા? લૌકિક સંબંધનું વિસ્મરણ થાય છે ત્યારે બ્રહ્મસંબંધ થાય છે. લૌકિક સંબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઇશ્વરમાં આસક્તિ થતી નથી.

શુકદેવજી વતી વૃક્ષોએ જવાબ આપ્યો, આ જીવ અનેકવાર પુત્ર બન્યો, અનેકવાર પિતા બન્યો છે. વાસના પુનર્જન્મનું કારણ બને છે. પિતાજી તમારા મારા અનેક જન્મો થયા છે. પૂર્વજન્મ યાદ રહેતો નથી એ જ સારું છે. પિતાજી તમે મારા પિતા નથી. હું તમારો પુત્ર નથી. તમારા અને મારા સાચા પિતા નારાયણ છે. પિતાજી મારી પાછળ ન પડો, ભગવાન પાછળ પડો. પિતાજી તમારું જીવન પરમાત્મા માટે બનાવો. મને જે આનંદ મળ્યો છે તે આનંદ જગતને આપવા જાઉં છું. વ્યાસજી પત્નીને સમજાવે છે. તને જે શુક ખૂબ ગમે છે તે અંતરયામીને અર્પણ કરજે. જે ખૂબ ગમતું હોય તે પ્રભુને આપીએ તો આપણે પ્રભુને ગમીએ.

આવા સર્વભૂત હ્રદયસ્વરૂપ શ્રી શુકદેવજી ને હુ6 વારંવાર નમન કરું છું.

એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકજીએ સૂતજીને કહ્યું-આજદિન સુધી કથાઓ બહુ સાંભળી. હવે કથાનું સાર તત્ત્વ સાંભળવાની ઇચ્છા છે. અમારે હવે કથા સાંભળવી નથી. કથાનો સાર સાંભળવો છે. કથાસારં મમ કર્ણરસાયનમ્ . એવી કથા જ સંભળાવો કે જેથી અમારી શ્રી કૃષ્ણપ્રત્યેની ભક્તિ દૃઢ થાય, અમને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય.
માખણ સર્વનું સાર છે અને સર્વના સાર શ્રીકૃષ્ણ ભગવાન છે.

જીવ પ્રકૃતિનો ભોગ છોડે અને શ્રી કૃષ્ણમાં મન જોડે તો જીવ પણ શિવ બને.

ભાગવત એ માખણ છે. બીજા શાસ્ત્રો દૂધ, દહીં જેવાં છે. સર્વ શાસ્ત્રોના સાર રૂપ આ કૃષ્ણ કથા છે.

શૌનકજી કહે છે:- જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી સારભૂત કથા સંભળાવો.

સોળ આની જ્ઞાન અને સોળ આની વૈરાગ્ય આવે ત્યારે જીવનો જીવ ભાવ જાગે છે.

ભાગવત શાસ્ત્ર એ પ્રેમશાસ્ત્ર છે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણપ્રેમમાં દેહભાન ભુલાય, ત્યારે માનજો પ્રેમ સિદ્ધ થયો, ભક્તિ સિદ્ધ થઇ. પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.

જ્ઞાનમાર્ગમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે. જ્ઞાનમાર્ગમાં જે મળેલું છે તેનો જ અનુભવ કરવાનો છે. ભક્તિમાર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે. ભક્તિમાર્ગમાં ભેદનો વિનાશ છે. જ્ઞાનમાર્ગમાં ભેદનો નિષેધ કરવામાં આવે છે. બન્નેનું લક્ષ એક જ છે. સૂતજી બોલ્યા:- આપ સૌ જ્ઞાની છો પણ લોકો ઉપર ઉપકર કરવા માટે આપ પ્રશ્ન પૂછો છો તો સાવધાન થઇ સાંભળો.

કળિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડવવા શુકદેવજીએ ભાગવતની કથા કહી છે. જ્યારે શુકદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા ત્યારે સ્વર્ગનું અમૃત લઇ દેવો ત્યાં આવેલા. દેવોએ કહ્યું કે સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ અને કથાનું અમૃત આપ અમને આપો.

સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે પરંતુ પાપનો ક્ષય થતો નથી. કથામૃતના પાનથી પાપનો નાશ થશે. કથામૃતથી ભોગવાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથામૃત શ્રેષ્ઠ છે.

રાજાએ કહ્યું: ભગવન્ મારે સ્વર્ગનું અમૃત પીવું નથી. મારે આ કથામૃતનું જ પાન કરવું છે.

સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે આ કથા છે.આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે પણ સૂતેલાં છે. તેને જાગૃત કરવાના છે. આગળ કથા આવશે કે જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છામાં પડેલાં છે. સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી ભક્તિરસ ઉત્પન્ન કરવા માટે કથા છે.
એવો બીજો કોઇ ગ્રંથ નથી જે સાત દિવસમાં મુક્તિ અપાવી શકે.

સૂતજીએ કહ્યું કે સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે કથા હું તમને સંભળાવું છું. સાત દિવસમાં પરીક્ષિતને મુક્તિ મળી. પરીક્ષિતને ખાત્રી હતી કે સાતમે દિવસે મારો કાળ આવવાનો છે. આપણે કાળને ભૂલી જઇએ છીએ. વક્તા શુકદેવજી જેવો હોય અને શ્રોતા પરીક્ષિત જેવો થઇને બેસે તો સાત દિવસમાં મુક્તિ મળે.

કથા સાંભળી પરીક્ષિતને લેવા વિમાન આવ્યું. આજકાલ લોકો કથા બહુ સાંભળે છે; પરંતુ તેઓને લેવા માટે વિમાન કેમ આવતું નથી? કદાચ સ્વર્ગમાંથી વિમાન લેવા આવે તો મનુષ્યની જવાની તૈયારી ક્યાં છે? મનુષ્ય પત્ની, પુત્ર, ધન, ઘર વગેરેમાં ફસાયો છે. આ આસક્તિ જ્યાં સુધી છૂટે નહિ ત્યાં સુધી મુક્તિ નથી.

તુકારામને લેવા વિમાન આવ્યું. તુકારામ પોતાની પત્નીને કહે છે કે તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામમાં લઇ જાઉં, ચાલ મારી સાથે. પરંતુ પત્નીએ માન્યું નહિ અને ગઇ નહિ. સંસારનો મોહ છોડવો કઠણ છે

વાસના ઉપર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં ઠસી જશે તો જીવન મધુર બની જશે. વાસના વધી, ભોગો વધ્યા, તેથી સંસાર ખારો ઝેર બન્યો છે.

વાસનાઓ મનથી ક્ષીણ ન થાય ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. પૂર્વજન્મનું શરીર ગયું પણ મન ગયું નથી. લોકો તનની, કપડાંની કાળજી રાખે છે; પરંતુ મર્યા પછી પણ જે સાથે આવે છે તે મનની કાળજી રાખતા નથી. મર્યા પછી જે સાથે આવવાનું છે, તેની કાળજી રાખજો. ધન, શરીર વગેરેની કાળજી રાખશો નહિ. મર્યા પછી હાથની આંગળીમાં વીંટી હશે તે પણ લોકો કાઢી લેશે.

આચાર, વિચાર વિના મનની શુદ્ધિ થતી નથી. અને મનની શુદ્ધિ થાય નહિ ત્યાં સુધી ભક્તિ થઇ શકતી નથી. જ્ઞાન વૈરાગ્યને જુવાન કરવા માટે આ ભાગવતની કથા છે.

વિવેકથી સંસારનો અંત ન લાવો ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.

જીવનમાં સંયમ, સદાચાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કાંઇ કામ લાગશે નહિ.

કેવળ જ્ઞાન શા કામનું? એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો. ગૃહસ્થ રુદન કરે છે તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે અને ઉપદેશ આપે છે, “ આત્મા અમર છે. મરણ શરીરનું થાય છે. તેથી તમારા પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી.”

થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઇ તેથી તે રડવા લાગ્યો. સાધુને રડતો જોઇ તે ગૃહસ્થે સાધુને કહ્યું કે બાપજી તમે મને ઉપદેશ આપતા હતા ને કે કોઇના મરણ માટે શોક કરવો નહિ,તો તમે કેમ

રોવો છો? સાધુએ કહ્યું કે છોકરો તારો હતો પણ બકરી મારી હતી તેથી રડું છું, આવું પરોપદેશે પાંડિત્યમ શા કામનું? જ્ઞાનનો અનુભવ કરો. મુક્ત થવા માટે જ્ઞાનનો ઉપયોગ છે.

કથા જીવનને સુધારે છે, જીવનમાં પલટો લાવી દે છે. કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ન થાય તો માનજો કે મેં કથા બરોબર સાંભળી નથી. કથા મુક્તિ આપે છે એ વાત સાચી છે. રોજ મૃત્યુને એક બે વાર યાદ કરો. કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારી શું દશા થશે એમ રોજ વિચારો તો પાપ થશે નહિ. મનુષ્યો રોજ મરણનો વિચાર કરતા નથી પણ ભોજનનો વિચાર રોજ કરે છે.

આ ભાગવત કથાનું માહાત્મ્ય એકવાર સનતકુમારોએ નારદજીને કહી સંભળાવ્યું હતું. માહાત્મ્યમાં એવું લખ્યું છે કે મોટા મોટા ઋષિઓ, દેવો બ્રહ્મલોક છોડી વિશાલા ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે. કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે. સત્સંગી પોતે તરે છે અને સંગમાં આવેલાં સર્વને તારે છે.

જેને લોકો બદરિકાશ્રમ કહે છે તે વિશાલા ક્ષેત્ર છે. બદરી વિશાલલાલકી જય. બદ્રિનારાયણ વિશાલ રાજાને માટે પધાર્યા હતા. પુંડલિકને માટે વિઠ્ઠલનાથ આવ્યા.

જે ભક્તને માટે ભગવાન આવે તે ધન્ય . બદ્રિનારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે. તે બતાવે છે કે હું ઇશ્વર છું છતાં તપ ધ્યાન કરું છું. તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી. જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી, તેથી ભગવાન આદર્શ બતાવે છે. બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે. માને દવા ખાવાની જરૂર નથી પણ બાળકને સમજાવવા તે દવા ખાય છે.

બદ્રિનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. સ્ત્રીસંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. આમાં સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે. કોઇ સ્ત્રી, બાળકોનો ત્યાગ કરવાનું નથી એટલે કહેવું પડે છે કે ઘરમાં સ્ત્રી બાળકો વચ્ચે રહીને ભગવાનનું ભજન કરજો. તેવી જ રીતે તપસ્વિની સ્ત્રી માટે પુરુષનો સંગ ત્યાજ્ય છે.

એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં આવ્યા. ત્યાં સનકાદિક ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીનું મુખ ઉદાસ જોઇ તેઓએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું.

સનકાદિકે નારદજીને પૂછ્યું:- આપ ચિંતામાં કેમ છો? કૃતશ્ચિન્તાતુરો.

ચિંતા ન કરે એ જ વૈષ્ણવ. વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે. નારદજીએ કહ્યું-મારો દેશ દુ:ખી છે. સત્ય, તપ, દયા, દાન રહ્યાં નથી. મનુષ્યો બોલે છે કાંઇ, મનમાં હોય છે કાંઇ અને કરે છે કાંઇ ! વધુ શું કહું? ઉદરમ્ભરિણો જીવા . જીવો માત્ર પેટભરા બની ગયા છે.

સમાજમાં કોઇને સુખ શાંતિ નથી. આજે દેશ દુ:ખી થયો છે. દેશ જ્યાં સુધી ધર્મ અને ઇશ્વરને ન માને ત્યાં સુધી દેશ સુખી થતો નથી. જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ નથી. ધર્મ અને ઇશ્વરને ભૂલનારો કોઇ દિવસ સુખી થતો નથી.

જગતમાં હવે ધર્મ રહ્યો નથી. સત્ય રહ્યું નથી. સત્યં નાસ્તિ. જગતમાં અસત્ય બહુ વધ્યું છે. અસત્ય સમાન કોઇ પાપ નથી. ઉપનિષદમાં લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે છે જ પણ અસત્ય બોલનારના પુણ્યનો પણ ક્ષય થાય છે.

તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો.

જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી. કુટુંબસુખ સિવાય બીજું કોઇ સુખ છે કે નહીં તેનો વિચાર સરખો પણ મનુષ્યને આવતો નથી. વિચારે છે કે આ પૈસાથી કુટુંબને સુખી કરીશ. ઇન્દ્રિયોનો એવો ગુલામ બને છે કે તેને પવિત્ર વિચાર પણ આવતો નથી.

જીવનમાં જ્યાં સુધી કોઇ લક્ષ્ય નક્કી કરશો નહિ ત્યાં સુધી પાપ અટકશે નહિ. જે લક્ષ્યને લક્ષમાં રાખે તેનાથી પાપ થાય નહીં. પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની જ ખબર નથી. મંદબુદ્ધિવાળો તે જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી.

જગતમાં અન્નવિક્રય થવા લાગ્યો છે. અન્નવિક્રય એ પાપ છે. જ્ઞાનનો વિક્રય

થવા લાગ્યો છે. જ્ઞાનનો વિક્રય ન કરો. બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે, અન્નદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. તેથી કાયમની શાંતિ થાય છે.

મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું છે.

દુનિયામાં મને ક્યાંય શાંતિ જોવામાં આવી નહિ. આ પ્રમાણે કળિયુગના દોષ જોતો ફરતાં ફરતાં હું વૃન્દાવન આવ્યો. ત્યાં એક કૌતુક જોયું, એક યુવતી સ્ત્રીને જોઇ અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છામાં પડેલા જોયા.

તે યુવતી સ્ત્રીએ મને કહ્યું કે હે સાધો એક ક્ષણ ઊભા રહો. ક્ષણં તિષ્ઠ..

બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો. જેને સમયની કિંમત નથી તે અંતકાળે ખૂબ પસ્તાય છે. કોઇની એક ક્ષણ પણ બગાડો નહીં. એટલે એક ક્ષણ ઊભા રહેવા કહ્યું. મેં પૂછ્યું: દેવી તમે કોણ છો?

સ્ત્રીએ કહ્યું:- મારું નામ ભક્તિ છે . આ જ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે. તેઓ વૃદ્ધ થઇ ગયા છે.

મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. મહાન, મહાન આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય દક્ષિણમાં થયા છે. દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે.

કર્ણાટકમાં મને પોષણ મળ્યું. હું વૃદ્ધિ પામી. આચારવિચાર જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિને પુષ્ટિ મળે છે. કર્ણાટકમાં હજુ આચારવિચાર વધારે જોવા મળે છે. વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત ન હતો. પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું. હજુ કર્ણાટકમાં લોકો નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહિ. મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશીએ કરો.

મહારાષ્ટ્રમાં કોઇ કોઇ ઠેકાણે મારું સન્માન થયું. મહારાષ્ટ્રમાં ભક્તિને કોઇ કોઇ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળમાં ભક્તિ જોવા મળે છે અને ગુજરાતમાં હું જીર્ણ થઇ.ગુર્જરે જીર્ણતાં ગતા.. ગુજરાતમાં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઇ. પૈસાના દાસ પ્રભુના દાસ થઇ શકતા નથી.

ભક્તિના પ્રધાન નવ અંગ છે. પહેલું શ્રવણ. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું. કથા સાંભળવાથી પાપ બળે છે. પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે. શ્રવણભક્તિ છિન્નભિન્ન થઇ છે. કારણ મનન રહ્યું નથી.

કીરતનભક્તિ રહી નથી. કિર્તનમાં કીર્તિનો અન કંચનનો લોભ આવ્યો ત્યારથી કીર્તનભક્તિ બગડી.

જ્ઞાની પુરુષોને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે. ધનનો લોભ છૂટવા કરતાં કીર્તિનો મોહ છૂટવો કઠિન છે. કીર્તિનો મોહ જ્ઞાનીને પણ પજવે છે. હું મારા મનને સમજાવું છું. જ્યાં સુધી તમે તમારા મનને નહીં સમજાવો ત્યાં સુધી તે માનશે નહિ.

કથા કીર્તનમાં અનાયાસે જગત ભુલાય છે. મનુષ્ય સર્વ છોડી માળા લઇને બેસે છે ત્યારે જગત યાદ આવે છે. કથામાં બેસો ત્યારે સંસાર વ્યવહારના વિચારો મનમાંથી કાઢી નાંખો. હું મારા શ્રીકૃષ્ણના ચરણમાં બેઠો છું એવી ભાવના કરો.

કીર્તનભક્તિ નિષ્કામ હોવી જોઇએ. તુલસીદાસજીએ કહ્યું છે સ્વાન્ત સુખાય. મારા સુખને માટે કથા કરું છું. બીજાને શું સુખ મળે છે તેની મને ખબર નથી. પણ મારામનને આનંદમળે છે તેથી કથા કરું છું.

વંદન ભક્તિ અભિમાનથી ગઇ. સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે સકળ લોકમાં સહુને વંદે, વંદે એ વૈષ્ણવ. વંદન માંગે એ વૈષ્ણવ નહીં. અંદર હું પણું હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.

શરીરને લોકો શણગારવા લાગ્યા ત્યારથી અર્ચન ભક્તિ ગઇ. માટે જીવન સાદું રાખો.

ભક્તિના એક એક અંગનો નાશ થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્નભિન્ન થઇ એટલે જીવન વિભક્ત થયું.

ભક્તિના બે બાળકો છે: જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરો. જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવે છે ત્યારે ભક્તિ પણ રડે છે.કળિયુગમાં જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થાય છે એટલે કે વધતાં નથી. જ્ઞાન પુસ્તકમાં આવીને રહ્યું ત્યારથી જ્ઞાન ગયું.

નારદજી કહે છે: જ્ઞાન અને વૈરાગ્યને કેમ મૂર્છા આવી છે તે હું જાણું છું .આ કળિકાળમાં જગતમાં અધર્મ વધ્યો છે તેથી તેઓને મૂર્છા આવી છે. આ વૃંદાવનની પ્રેમભૂમિથી તમને પુષ્ટિ મળી છે.

કળિયુગમાં જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થાય છે એટલે તે ઉત્સાહ વગરના વૃદ્ધ થયા છે. નારદજીએ જ્ઞાનવૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા પણ કાંઇ વળતું નથી. વેદોના અનેક પારાયણ કર્યા તો પણ જ્ઞાનવૈરાગ્યની મૂર્છા ઊતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થઇ. તમારો પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા તમે કાંઇક સત્ કર્મ કરો.પણ હું શું સત્ કર્મ કરું? આકાશવાણીએ કહ્યું કે સંતો તમને સત્ કર્મ બતાવશે.

સંત ક્યાં મળશે? શું સાધન બતાવશે? એનો વિચાર કરતાં નારદજી ફરતાં ફરતાં બદરિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનકાદિ મુનિઓને તેમણે જોયા. ઉપર જણાવ્યા મુજબ સનકાદિક ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીએ બધી વાત કહી. નારદજી કહે છે:- જે દેશમાં હું જન્મ્યો તે દેશને ઉપયોગી ન થાઉં તો મારું જીવન વૃથા છે. આપ બતાવો હું શું સત્ કર્મ કરું?

સનકાદિ મુનિઓ કહે છે:-દેશના દુ:ખે તમે દુ:ખી છો. તમારી ભાવના દિવ્ય છે. ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઇચ્છા છે.

તમે ભાગવતજ્ઞાન માર્ગનું પારાયણ કરો. તમારી ઇચ્છા પૂર્ણ થશે. તમે ભાગવત જ્ઞાનયજ્ઞ કરો અને તેનો પ્રચાર કરો તેથી લોકોનું કલ્યાણ થાય.

વેદનું પારાયણ કરવું સારું છે પણ વેદનો અર્થ જલદી ધ્યાનમાં આવતો નથી. તેથી વેદ સર્વ વેદોના સાર જેવો આ ભાગવત જ્ઞાનયજ્ઞ કરો.

ભાગવત કથામૃતનું પાન કરવા ત્યાંથી તેઓ ગંગાકિનારે આવ્યા. શુદ્ધ ભૂમિમાં સાત્ત્વિક ભાવ જાગે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન ઉપર થાય. ગંગા જ્ઞાનભૂમિ છે. માટે આજ્ઞા કરી કે ગંગાકિનારે ચાલો. ભૃગુર્‍ષિ દરેકને ઘેર ઘેર જઇ બધાને કથામાં લઇ જાય છે. સત્ કર્મમાં બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે.

અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે, જીવ ઇશ્વર પાસે જાય છે તે માયાને ગમતું નથી. જીવ સર્વ પ્રકારનો મોહ છોડી પ્રભુ પાસે જાય તે માયાને ગમતું નથી. માયાનું એક સ્વરૂપ નથી. ઇશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી છે. જીવ અને ઇશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે.

માયા મનને ચંચળ બનાવે છે. મનુષ્યને માયા હરાવે છે. મનુષ્યની હાર થાય છે, માયાની જીત થાય છે; કારણ મનુષ્ય ભગવાનનો જય જયકાર કરતો નથી. કથા-ભજનમાં ઇશ્વરનો પ્રેમથી જય જયકાર કરવો. માયાની હાર થાય અને મારી જીત થાય. ભૂખતરસને ભૂલશો નહિ તો પાપ થશે. ભૂખતરસને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે પરીક્ષિતની બુદ્ધિ ભૂખ તરસે જ બગાડેલી.

સૂતજી સાવધાન કરે છે, હે રાજ , નારદજી આજે શ્રોતા થઇ બેઠા છે. સનકાદિ આસન ઉપર બિરાજ્યા એટલે જયજ્યકાર થવા લાગ્યો.

ભગવાન શ્રીકૃષ્ણ કાનમાંથી , આંખમાંથી મનમાં આવે છે. વારંવાર શ્રીકૃષ્ણકથા સાંભળે છે. તેના કાનમાંથી શ્રીકૃષ્ણ હ્રદયમાં પધારે છે.

કાનમાંથી પાપ મનમાં આવે છે. કાનને કથા શ્રવણ કરાવશો-તમે ભગવાનની કથા સાંભળશો તો મન ભગવાનમાં સ્થિર થશે. કાનમાંથી ભગવાન હ્રદયમાં આવશે.

આંખ અને કાન એ ભગવાનને હ્રદયમાં દાખલ કરવાના-દેહના બે દરવાજા છે, સાધન છે.

ઘણા આંખથી પ્રભુના સ્વરૂપને મનમાં ઉતારે છે. ઘણા કાનથી શ્રવણ કરી ભગવાનને હ્રદયમાં ઉતારે છે. આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો. ત્યાં શ્રીકૃષ્ણને પધરાવો. દરેકસત્કર્મના આરંભમાં શાંતિપાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે. ૐ ભદ્રં કર્ણેભિ: શ્રુણુયામ દેવા: ..

હે દેવ ! કાનો વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ.

કાન અને આંખ પવિત્ર થાય પછી સત્કાર્યનો આરંભ થાય. તેથી ગોર મહારાજ આંખે, કાને પાણી અડાડવાનું કહે છે ને?

શુદ્ધ ઇન્દ્રિયમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે, આથી ઇન્દ્રિયોને શુદ્ધ કરો. અને શુદ્ધ રાખો. મન શુદ્ધ કર. કાળ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે.

સનકાદિ મુનિઓ કહે છે:- આ ભાગવત ગ્રંથમાં અઢાર હજાર શ્લોકો છે.

અઢારની સંખ્યા પરિપૂર્ણ છે. રામકૃષ્ણ ઓઅરિપૂર્ણ છે તેથી નવમીને દિવસે પ્રગટ થયા છે. કૃષ્ણ નવમીએ ગોકુળ આવ્યા ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવે છે. રામજીની બાર કળા અને કૃષ્ણની સોળ કળા એવા ભેદ રાખશો નહિ.

(ક્રમશઃ)

-----------------------------------------------------------------------

No comments:

Post a Comment

[9:37PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿          શ્રીમદ ભગવદગીતા-૧૨૧-                    અધ્યાય-૧૫-   ...